આખા દેશને વાયરલેસ ફિડિલિટી (વાઈ-ફાઈ) ઈન્ટરનેટ કનેક્શન મળી રહે એટલા માટે સમગ્ર દેશમાં ૧ કરોડ ડેટા સેન્ટર ઉભા કરાશે. કેન્દ્રિય કેબિનેટે આજે બેઠકમાં આ બિલને મંજૂરી આપી હતી. આખા દેશમાં પબ્લિક ડેટા ઓફિસ (પીડીઓ) ખોલવામાં આવશે. આ ઓફિસ હકીકતે લોકોની દુકાન જ હશે. કોઈ પણ વધારાના લાઈસન્સ વગર રસ ધરાવતા દુકાનદારો પીડીઓ શરૃ કરી શકશે.

પીડીઓ સેન્ટર પાસેથી વાઈ-ફાઈ સબસ્ક્રિપ્શન લઈને આસપાસના લોકો ઈન્ટરનેટનો સરળતાથી ઉપયોગ કરી શકશે. ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત આખા દેશને સરળતાથી ડેટા કનેક્શન મળી રહેઈન્ટરનેટ મળતું થાય એ માટે સરકારે આ પગલાંની જાહેરાત કરી હતી. આ યોજનાને સરકારે પીએમ-વાણી નામ આપ્યું છે.

ભારતના પશ્ચિમ કાંઠે આવેલા ટાપુ લક્ષદ્વિપને પણ ફાઈબર કનેક્ટિવિટીથી જોડાશે. એ માટે કેબલ કેરળના કોચીથી લંબાવાશે. સરકાર દેશમાં સર્વત્ર ફોર-જી કનેક્શન મળી રહે એ માટે કાર્યરત થઈ છે. સરકારના આ પ્રયાસથી રોજગારાની નવી તકો પણ સર્જાશે. ભારત નેટ દ્વારા અઢી લાખ ગ્રામ પંચાયતોને પણ બ્રોડબેન્ડ કનેક્શન પુરું પાડવાની સરકારની યોજના છે.