એડિલેડમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટમાં આજે ત્રીજા જ દિવસે ટીમ ઈન્ડિયાની આઠ વિકેટે ભૂંડી હાર થઈ હતી.ભારતે શરમજનક બેટિંગ કરીને ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પોતાનો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો.ટીમ ઈન્ડિયા 36 રનમાં ઓલ આઉટ થઈ જતા ક્રિકેટ ચાહકો હતપ્રભ થઈ ગયા હતા.

પહેલી ઈનિંગમાં 244 રન બાદ ઓસ્ટ્રેલિયાને 191 રન પર ઓલઆઉટ કરવાની ખુશી હજી તો શમે તે પહેલા જ આજે મેચની શરુઆતથી જ ઓસી બોલરો ત્રાટક્યા હતા.હેઝલવૂડ અને કમિન્સની બોલિંગ સામે ઉછાળ લેતી બાઉન્સી પીચ પર ભારતના ધુરંધર કહેવાતા બેટસમેનોએ શરણાગતી સ્વીકારી લીધી હતી.હેઝલવૂડે આઠ રન આપીને પાંચ અને કમિન્સે 21 રન આપીને ચાર વિકેટ લીધી હતી.

ભારતીય બેટસમેનોમાંથી એક પણ ડબલ ફિગર પર પહોંચી શક્યો નહોતો.ઓપનર મયંક અગ્રવાલ 9 રન બનાવીને ટોપ સ્કોરર રહ્યો હતો.કોહલી માટે આ પ્રવાસની અંતિમ ઈનિંગ હતી અને તે ચાર રન જ બનાવી શક્યો હતો.પૂજારાએ 0 રન , બુમરાહે 2 રન, રહાણેએ 0, હનુમા વિહારીએ 8, સહાએ ચાર, અશ્વિને 9 અને ઉમેશ યાદવે ચાર રન કર્યા હતા.સામી ઈજાગ્રસ્ત થઈને પેવેલિયન પરત ફર્યો હતો.

ઓસ્ટ્રેલિયાએ બે વિકેટ વિકેટ ગુમાવીને 90 રનનુ ટાર્ગેટ આસાનીથી પાર પાડ્યુ હતુ.આમ હવે ચાર ટેસ્ટની સિરિઝમાં ઓસ્ટ્રેલિયા 1-0થી આગળ છે.હવે કોહલી બાકીની ટેસ્ટ રમવાનો નથી અને જે રીતે ભારતીય બેટસમેનોએ બેટિંગ કરી છે તે જોતા ટેસ્ટ સિરિઝમાં ભારતે પાછા ફરવા બહુ સંઘર્ષ કરવો પડશે તેમ લાગે છે.