ગુજરાતમાં ઘણા એવા ગામો છે જે ખૂબ વિકસિત છે. આજે આપણે જે ગામની વાત કરવાના છીએ તે વાંચીને તમને ચોક્કસ લાગશે કે ગુજરાતના ગામડાઓ હવે શહેરને ટક્કર આપવા લાગ્યા છે. વાત છે મહીસાગર જિલ્લાના વીરપુર તાલકાના હાંડીયા ગામની.
અંદાજે 2000 લોકોની વસ્તી ધરાવતું હાંડીયા ગામ વીરપુર તાલુકના 62 ગામોમાંથી નંબર વનનું સ્થાન ધરાવે છે. એક આદર્શ ગામમાં હોવી જોઈએ તેવી તમામ સુવિધાઓ હાંડીયા ગામમાં છે. આખું ગામ આરોનું સ્વચ્છ પાણી પીવે છે. ગામમાં 50 જેટલાં CCTV કેમરા ફીટ કરવામાં આવ્યા છે. 



ગામના ખૂણે ખૂણેથી લઈને ગામ બહાર બે કિલોમિટર સુધી વાઈફાઈની સુવિધા મળી રહે છે . દરેક ચાર રસ્તા પર સોલાર સિસ્ટમ ફીટ કરવામાં આવી છે. જેનાથી એલઈડી લાઈટ ચાલે છે અને ગામ ઝળહળી ઉઠે છે.
ગામમાં કોઈ ખૂણામાં તમને ધૂળ કે માટી જોવા નહીં મળે
હાંડિયા ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પોસ્ટ ઓફિસ, દૂધ મંડળી અને અધતન ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ છે. આ ઉપરાંત ગામમાં બધા ઘરો ગટર સાથે જોડાયેલા છે અને 100 ટકા શૌચાલયો છે. ગામમાં કોઈ ખૂણામાં તમને ધૂળ કે માટી જોવા નહીં મળે, કેમ કે તમામ રસ્તાઓ આરસીસીના બનાવવવામાં આવ્યા છે. તેમજ બાળકો માટે આધુનિક સાધનો સાથે પ્લે સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે. પંચાયત દ્વારા ગામ માટે પોતાનુ ફોગીંગ મશીન વસાવવામાં આવ્યું છે અને મનોરંજન માટે ઓપન એર થીયેટર પણ બનાવવામાં આવ્યુ છે.
ગામમાં પબ્લિક એડ્રેસીંગ સિસ્ટમ


એટલું જ નહીં ગામમાં પબ્લિક એડ્રેસીંગ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેમાં ગામના ઘરે ઘરે સંભળાય તેવી સાઉન્ડ સિસ્ટમ ઉભી કરવામાં આવી છે. જેના દ્વારા સરકારી યોજનાઓ કે લોકઉપયોગી કામોની જાહેરાત કરવામાં આવે છે.
આ ઉપરાંત ગામના સરપંચ દુનિયાના કોઈ પણ ખૂણેથી ગામલોકોને સંબોધી શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. ગામના લોકોએ 8 હજારથી વધુ સરગવા અને 10થી વધુ સાગના વૃક્ષો આવી પર્યાવરણ પ્રત્યે પોતાની ફરજ અદા કરી છે.
ગામનું એક પણ ઘર નોકરીથી નથી વંચિત
હાંડિયા ગામની અંદાજે 2 હજારની વસ્તીમાં 200 ઘર છે. ગામમાંથી 150થી વધુ શિક્ષકો, ડોક્ટરો, એન્જિનિયરો તેમજ ક્લાસ 1-2 અધિકારીઓ તૈયાર થયા છે. જે જિલ્લામાં તેમજ ગુજરાતમાં અન્ય જગ્યાએ નોકરી કરે છે. ગામમાં લગભગ એવું ભાગ્યે જ કોઈ ઘર હશે, જે નોકરીથી વંચિત હશે.
ગામમાં નથી નોંધાઈ ક્યારેય પોલીસ ફરિયાદ
હાંડીયા ગામમાં બારોટ, પ્રજાપતિ , સુથાર, વાળંદ, પંચાલ વગેરે જ્ઞાતિના લોકો હળીમળીથી રહે છે. ગામમાં સામાન્ય ઝઘડાને વડીલો ઉકેલે છે. અત્યાર સુધી આ ગામમાં FIR નોંધાઇ નથી.