Subscribe Us

આજ રોજ સોનલ બીજ નિમિત્તે આઇ સોનબાઇ માં મઢડાનો એક પરચાની વાત - કાળુભાઇ વાઘની કલમે...

માં સોનબાઈના ૯૭માં પ્રાગટયદિન સોનલબીજ અને ચારણી નૂતનવર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
પાંચ વર્ષ પહેલાં પ્રથમ વખત માં સોનબાઈની પવિત્ર ધરતી મઢડાધામ જવાનું થયું હતું અને તે દરમિયાન બનેલી સત્યઘટના આપ સૌ સમક્ષ રજૂ કરું છું. મારા ગામના એક કુટુંબીક કાકા અને હું મોટરસાયકલ લઈને જૂનાગઢ જવા નીકળ્યા હતા તે સમયે અમારા ગામથી 9 કિલોમીટર ખાંભા નજીક પેટ્રોલ ખૂટી ગયું અને ગાડીને આડી કરી જેમતેમ ખાંભા પેટ્રોલ પંપે પહોંચ્યા. 200 રૂપિયાનું પેટ્રોલ નાખી પ્રથમ જૂનાગઢ અને પછી પૂછતાં પૂછતાં મઢડા પહોંચી માં સોનબાઈના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વાતો વાતોમાં 200 કરતાં વધારે કિલોમીટર ચાલી ગયા હતા અને ફરી પેટ્રોલ નાખવાનું ભૂલી ગયા હતા એટલે મઢડા જેવી ગાડી શરૂ કરતાં પહેલાં હલાવી તો અંદર પેટ્રોલ ના મળે. કાકો-ભત્રીજો એકબીજા સામે જોઈ વિચાર કરવા લાગ્યા ત્યારે મંદિર માંથી એક ભાઈ બહાર આવતાં હતાં એટલે તેમને પૂછ્યું કે અહીં ગામમાં પેટ્રોલ મળી જાય કે કેમ...? એ સમયે ગામડાઓમાં પેટ્રોલ મળતું નહોતું અને અત્યારે તો ઘણી સગવડતા ઉપલબ્ધ છે. એટલે એ ભાઈએ કહ્યું કે અહીં નહીં મળે તમારે હાઈવે પર જવું પડશે. મઢડાથી હાઇવે 7 કિલોમીટર થાય એટલે કાકાએ મને કીધું કે કેમ કરશું...! મેં દરવાજા સામે ઊભા રહીને માં સોનબાઈને પ્રાર્થના કરી ગાડીને કીક મારવાનું કાકાને કહ્યું. અમે 7 કિલોમીટર હાઈવે પર આવ્યા પરંતુ ત્યાં પણ લોકોએ કહ્યું કે તમને વંથલી પેટ્રોલ મળી જશે. ફરી કાકાને માં સોનબાઈનું નામ લઈને ગાડી આગળ ચલાવવાનું કીધું. મઢડાથી વંથલી આશરે 20 થી 25 કિલોમીટર થાય તે રસ્તો પસાર કરીને અમે વંથલી પેટ્રોલ પંપ પર આવ્યા અને ગાડી હલાવી તો ખ્યાલ આવ્યો કે હજુ જૂનાગઢ પહોંચી જઈએ એટલું પેટ્રોલ ગાડીમાં પડ્યું હતું એટલે શક્તિની પરીક્ષા કર્યા વગર ફરી પેટ્રોલ નાખી દીધું....
મિત્રો, 200 રૂપિયામાં જૂની ગાડી 250 કરતાં વધારે કિલોમીટર ચાલી જાય એવું આ સમયમાં અસંભવ છે ત્યારે અસંભવને પણ સંભવ કરી શકે તે છે મારી આસ્થા-શ્રદ્ધાનું કેન્દ્ર માં સોનબાઈ અને એટલે જ વારંવાર ગુણગાન પણ ગાઈ રહ્યો છું અને ત્યારબાદ મને ખ્યાલ આવી ગયો હતો કે આ તો અપાર શક્તિ છે અને છેલ્લા પાંચ વર્ષમાં અનેકવાર આ જાગતી જ્યોતની અનુભૂતિ કરી ચુક્યો છું ત્યારે આજના પવિત્ર દિવસે માં સોનબાઈને પ્રાર્થના કરું છું કે "હે માં સોનબાઈ, કોઈના નસીબમાં દુઃખના આસું લખ્યાં હોય તો તે મને આપજે અને જિંદગીના અંતિમ શ્વાસ સુધી સતકાર્યો કરવાની શક્તિ આપજે." માં સોનબાઈ આપણને સૌને સદૈવ ખૂશ રાખે અને સતકર્મ કરવાની ખૂબ શક્તિ આપે એજ પ્રાર્થના....
બે વર્ષ પહેલાં પ્રથમ વખત ઓનલાઈન ડોનેશન અભિયાન શરૂ કર્યું હતું અને ત્યારે બનેલી સત્યઘટના હવે પછી રિલીઝ કરીશ. માં સોનબાઈનો આજે પ્રાગટય દિવસ છે તેમજ કોરોના મહામારીનો આપણે સૌ કોઈ સામનો કરી રહ્યા છીએ ત્યારે આપણે સૌ સાથે મળી માં સોનબાઈને પ્રાર્થના કરીએ કે આ ભયંકર આપત્તિ માંથી જલ્દીથી જલ્દી આપણો દેશ બહાર આવે અને ફરી ક્યારેય આવી આપત્તિ સમગ્ર વિશ્વમાં ના આવે...
છેલ્લે વિદેશમાં વસતા એક ચારણ-ગઢવીના દીકરી વંદનાબેન ગઢવીને વિદેશમાં હોવાથી અને સોનલબીજ આવી હોવાથી હવે મઢડા કેવી રીતે જવાય તે તેમના શબ્દોમાં...
"પાંખ મને દીધી હોત તો સોનલ, નીત હું માં મઢડે જાત..."
"દલડું મારું તલખે સોનલ, દર્શન તારે કાજ..."
જય હો સોનબાઈ
કાળુભાઈ વાઘ (રાજુલા-અમરેલી)
મો.9979523520

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ