Subscribe Us

જ્યાં ઇતિહાસમાં એક સાથે 142 આહીરાણીઓ સતી થઈ હતી, તે વ્રજવાણી ખાતે આજથી પૂ. મોરારિબાપુ કથા પ્રારંભ કરશે.

વિશ્વના કોઈપણ ખૂણે વસતો ગુજરાતી મોરારિબાપુના નામથી પરીચિત જ હોય. વિશ્વભરમાં રામાયણને આગવી ઓળખ આપવામાં મોરારિબાપુનું યોગદાન મોટું છે. મોરારિબાપુ અત્યાર સુધીમાં 854 રામકથા કરી ચુક્યા છે અને આજે એટલે કે 14 ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધી તેમની 855મી રામકથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
મોરારિબાપુની 855મી રામકથા કચ્છના રાપર તાલુકાના ગામ વાગડ ખાતે શરુ થવાની છે. જો કે કચ્છની ઐતિહાસિક ભૂમિ પર મોરારી બાપુની આ પાંચમી રામકથા હશે. આ પહેલા તેઓ કચ્છના ભચાઉ, જંગી, રાપર અને મોડપર ખાતે રામકથા કરી ચુક્યા છે. પરંતુ આ તમામ વચ્ચે આ વખતની કથા ખાસ છે. કારણ કે તેનો સંબંધ ઈતિહાસ સાથે પણ છે.
આ વખતની રામ કથા ઐતિહાસિક વ્રજવાણી ગામમાં જે વાગડ વિસ્તારમાં આવેલું છે અને અહીં જ ઈતિહાસમાં એક સાથે 142 આહીરાણીઓ સતી થઈ હતી. આ ભૂમિ પર આજથી મોરારીબાપુની રામકથાનો પ્રારંભ થઈ રહ્યો છે. વ્રજવાણી ગામમાં આ આહીરાણીઓના પાળીયા આજે પણ આવેલા છે. આ ભવ્ય ઈતિહાસ અંગે જાણવા મળતી માહિતી અનુસાર સંવત 1511ની વૈશાખ સુદ ચોથના દિવસે આ ગામમાં આહિરાણીઓ સતી થઈ હતી.
આ દંતકથા અનુસાર અહીં અમરાભાઈ આહિર અને રવાભાઈ આહિરના બે કબીલા હતા અને બંને કબીલા વચ્ચે કુસંપ હતો. તેવામાં અમરા આહિરના કબીલાવાળાઓએ રવા આહિરના કબીલાઓની મહિલાઓ જે ઢોલીના તાલે રાસ રમી રહી હતી તે ઢોલી અન્ય કબીલાનો હોવાથી તેને તલવારના ઘા ઝીંકી મારી નાંખ્યો હતો. ત્યારબાદ અહીં આહિરાણીઓ સતી થઈ હતી. તેવો ઉલ્લેખ બારોટ દ્વારા કરવામાં આવે છે.
આવા ઐતિહાસિક સ્થળે યોજાનાર રામકથામાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રોતાઓ વચ્ચે અંતર જળવાય તે રીતે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત મર્યાદિત સંખ્યામાં જ શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જ કથા સાંભળવા આવનાર શ્રોતાએ માસ્ક પહેરવું ફરજિયાત હશે અને કથાસ્થળે આવતી વખતે તેમને સેનિટાઈઝ પણ કરવામાં આવશે. આજથી શરુ થતી રામકથા 21 ફેબ્રુઆરી સુધી ચાલશે. આજે શરુ થનાર રામ કથા માટે મોરારિબાપુ કથા સ્થળે સવારના સમયે પહોંચી ગયા હતા. જો કે ખાસ વાત એ છે કે અહીં મોરારિબાપુ ખાસ હેલિકોપ્ટર મારફતે પહોંચ્યા હતા. અહીં તેમનું આયોજકો દ્વારા સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરારિબાપુના મુખે રામકથા સાંભળવા ભક્તો દૂર દૂરથી આવતા હોય છે. તેમણે માત્ર 20 વર્ષની ઉંમરથી જ રામકથા કરવાની શરુઆત કરી દીધી હતી. તેમણે સૌથી પહેલીવાર 14 વર્ષની ઉંમરે ચૈત્ર માસમાં એક મહિના સુધી રામાયણનો પાઠ કરાવ્યો હતો. તે તેમણે કરેલી પહેલી કથા હતી. ત્યારબાદથી રામકથા કરવાનું અવિરત ચાલું છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ