Subscribe Us

સાધુના વેશમાં શેતાન: હરિયાણામાં 8 લોકોની હત્યા કરી રાજુલામાં આશ્રમમાં સાધુ બનીને ફરતો આરોપી ઝડપાયો


 

 રાજુલા : સૌરાષ્ટ્રના રાજુલામાંથી સાધુ બનીને આશ્રમ ચલાવી રહેલા એક હત્યારાની ધરપકડ કરવામાં આવી છે. આ શખસે તેની પત્ની સાથે મળીને તેના સસરા સહિત સાસરી પક્ષના 8 લોકોની હત્યા કરી નાખી હતી. તેના સસરા હરિયાણાના ધારાસભ્ય હતા. આ હત્યાકાંડ માટે તેને અને તેની પત્નીને ફાંસીની સજા મળી હતી, જે પછીથી આજીવન કેદમાં ફરેવી દેવામાં આવી હતી. આરોપી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો અને ગુજરાતમાં આવીને રાજુલા ખાતે સાધુ બનીને આશ્રમ ચલાવી રહ્યો હતો. અંબાલા પોલીસે આ હત્યારાને મેરઠથી ઝડપી લીધો હતો.

જાણવા મળ્યા મુજબ, સંજીવ નામનો આ હત્યારો પેરોલ પર છૂટ્યા પછી હરિયાણાથી ભાગીને ગુજરાતમાં આવી ગયો હતો. અહીં તે સાધુનો વેશે ધારણ કરી અમરેલીના રાજુલાના છતળીયા ખાતે આશ્રમ ચલાવવા લાગ્યો હતો. તેણે પોતાનું નામ પણ બદલીને ઓમ આનંદગીરી કરી નાખ્યું હતું. ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં તેણે રાજ્યપાલ અને રાજકીય અગ્રણીઓની હાજરીમાં કૃષિ સંમેલન પણ યોજ્યું હતું. જોકે, હરિયાણામાં આઠ-આઠ હત્યાઓ કરી ફરાર થઈ ગયેલા સંજીવ ઉર્ફે ઓમ આનંદગીરીને મેરઠ પોલીસે દબોચી લીધો હતો.

સંજીવે તેની પત્ની સોનિયા સાથે મળીને વર્ષ 2001માં 23મી ઓગસ્ટે પોતાના સસરા હરિયાણાના તત્કાલીન ધારાસભ્ય 50 વર્ષના રેલુરામ પુનિયા, સાસુ ક્રિષ્ના દેવી (41 વર્ષ), દીકરી પ્રિયંકા, સાળા સુનિલ, સાળાની પત્ની શકુંતલા દેવી, સાળા ચાર વર્ષના પુત્ર લોકેશ અને બે દીકરીઓ અઢી વર્ષની શિવાની અને દોઢ મહિનાની પ્રીતિની હત્યા કરી નાખી હતી. આ હત્યાંકાડ મામલે સંજીવ અને તેની પત્ની સોનિયા ઉપરાંત તેના માતા-પિતા, ભાઈ, બે મામા અને મામાનો દીકરો અને બે કાકાની પોલીસે 2001માં ધરપકડ કરી હતી અને 31મી મે, 2004એ હિસ્સારની કોર્ટે સોનિયા અને સંજીવને ફાંસીની સજા ફટકારી હતી. જોકે, બાદમાં આ સજાને આજીવન કેદમાં ફેરવી દેવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, સંજીવ 1997માં સ્પોર્ટસ મીટમાં ભાગ લેવા લખનૌ ગયો હતો. ત્યાં તેની મુલાકાત હરિયાણાના હિસ્સારમાં રહેતી સોનિયા સાથે થઈ હતી. સોનિયા પિતા રેલુરામ પુનિયા તે સમયે ધારાસભ્ય હતા. સોનિયા તેની માતા સાથે લખનૌ આવી હતી. ત્યાં સંજીવ અને સોનિયાની આંખ મળી ગઈ હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. જોકે, સોનિયાને શંકા હતી કે, તેના પિતા બધી સંપત્તિ તેના ભાઈ સુનિલના નામે કરી દેશે. આ મામલે તેના ઘરમાં ઝઘડા ચાલી રહ્યા હતા. સુનિલ રેલુરામની પહેલી પત્નીનો દીકરો હતો. સોનિયા ઈચ્છતી હતી કે, ફાર્મ હાઉસની આસપાસ આવેલી 46 એકર જમીન તેને મળે, પરંતુ સુનિલે વિરોધ કર્યો હતો. આ જ મામલે સંજીવે તેની પત્ની સાથે મળીને આઠ-આઠ હત્યાઓ કરી નાખી હતી. આ હત્યાકાંડને હિસ્સાર પાસે આવેલા તેના સસરાના ફાર્મ હાઉસ ખાતે અંજામ આપ્યો હતો.

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં સંજીવ અને સોનિયા તરફથી મુક્તિની અરજી કરવામાં આવી હતી. જોકે, મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો અને સુપ્રિમ કોર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી દીધી હતી. સંજીવના કહેવા મુજબ, તેણે અંબાલામાં કેદીઓ સાથે મળીને જેલમાં સુરંગ ખોદી ભાગી જવાનો પ્લાન પણ બનાવ્યો હતો. જોકે, તેમાં તેને સફળતા મળી ન હતી. બાદમાં તેને કુરુક્ષેત્રની જેલમાં શિફ્ટ કરી દેવાયો હતો. વર્ષ 2018માં તે પેરોલ મળ્યા હતા, પરંતુ પેરોલ પૂરા થયા બાદ તે હાજર ન થતા કેસ પણ દાખલ કરાયો હતો.

સજીવે પોતાનું નામ બદલીને ઓમ આનંદગીરી ઉર્ફે ઓમકાર કરી લીધું હતું. સાધુના વેશમાં તે આ નામ ધારણ કરી ગુજરાત, પંજાબ અને ઉત્તર પ્રદેશ પોલીસને ગુમરાહ કરી રહ્યો હતો. અમરેલીના એસપી નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે, આ સાધુ રાજુલા વિસ્તારમાં આવેલા આશ્રમમાં આશરો લઈને રહેતો હતો અને અમરેલી પોલીસ દ્વારા આ સાધુને આશરો આપનારા તેમજ તેને મદદ કરનારાની તપાસ હાથ ધરવામાં આવી છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ