કચ્છના ભચાઉ પાસે આવેલા ભજનધામમાં ભારતનું પ્રથમ હાર્મોનિયમનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભારતભરના ખ્યાતનામ દિગજ્જ કલાકારો દ્વારા સંગીતની સાધના કરેલા 300 થી વધુ હાર્મોનિયમ દર્શનાર્થે રખાયા છે અને આ તમામ હાર્મોનિયમની પૂજા પણ કરવામાં આવે છે.આ અનોખા મંદિરનું નિર્માણ પાલુભાઇ વીરમભાઇ ગઢવી (ભજનાનંદી) દ્વારા કરવામાં આવ્યું છે.

મંદિરના ખ્યાલ અંગે પાલુભાઇ જણાવે છે કે, ભજનની દુનિયાના ભીષ્મપિતામહ લેખાતા બ્રહ્મલીન પૂ. નારાયણ સ્વામીની આંગળીઓ હાર્મોનિયમ પર ચાલતી ત્યારે જે સૂર નિકળતા તે આત્માને શાંતિ આપનારા હતા ત્યારે વિચારો આવતા કે આ લાકડાની પેટી જેવા વાદ્યમાંથી પૂ.બાપુના હસ્તે કેવા સૂર નિકળી રહ્યા છે.આ પેટી વસાવવા જેવી ખરી. પરંતુ તે સમયની આર્થિક પરિસ્થિતિને કારણે આ વાદ્ય વસાવવું શક્ય ન હતું. પરંતુ વર્ષ-2001 ના વિનાશક ભૂકંપ બાદ ભચાઉ પાસે એક ઉદ્યોગનું પોતે સંચાલન શરૂ કર્યું અને બે પાંદડે થયા ત્યારે “ સાંયા હમકો ઇતના દીજીયે , જામેં મેરો કુટુંબ સમાય, મૈભી ભુખા ના રહું ઔર અતિથિ ભી ભુખો ન જાય , આ સાખી મુજબ તેમનું માનવું છે કે આનાથી ઉપર જે મળે એ સત્કાર્યોમાં વાપરવું જોઇએ.

આ અનોખા હામોનિયમ મંદિરની વિશેષતા છે કે, અમુક કંપનીઓ જે 40-50 વર્ષ પહેલાં બંધ થઇ ગઇ એ કંપનીના હાર્મોનિયમ પણ અહીં છે. 125 થી 130 વર્ષ જુના હાર્મોનિયમ જેમાં બે સપ્તકથી સાડા ચાર સપ્તક સુધી , તો સિંગલ લાઇનથી લઇને ચાર લાઇન સુધીના હાર્મોનિયમ દર્શનાર્થે રાખવામાં આવ્યા છે.

આ મંદિરના નિર્માણ કરનાર પાલુભાઇ આગામી દિવસોમાં પાણીની અછત ન સર્જાય તે માટે કચ્છના તમામ ગામોમાં જળ સંચયના ઉદ્દેશથી “જળ મંદિર” ના નિર્માણ કરશે. તેની શરૂઆતની પોતાના ગામ મોટા ભાડીયાથી કરી છે.