10 એપ્રિલ સુધી ઓફ લાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય
આવતીકાલથી શરૂ થનારી કોલેજોની પરીક્ષા મોકૂફ રહેશે
રાજ્યમાં વધી રહેલા કોરોનાના સંક્રમણને રોકવા માટે આજે રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. સરકારે સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને પગલે 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે. આમ હવે તમામ ધોરણના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવશે. આ અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ ઉપરાંત આવતીકાલથી શરૂ થનારી કોલેજ અને યુનિવર્સિટીની પરીક્ષા પણ 10 એપ્રિલ સુધી મોકૂફ રાખવામાં આવી છે.

બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં કોરોનાના સંક્રમણને રોકવા માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં એક મહિના પહેલા શરુ થયેલી સ્કૂલો અને કોલેજો બંધ રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બરાબર એક વર્ષ બાદ ફરી સ્કૂલ-કોલેજો બંધ કરી
ગત વર્ષે સ્કૂલ-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ 6થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી. પરંતુ એક વર્ષમાં જ કોરોનીની સ્થિતિ ત્યાંની ત્યાં જ આવી જતા 18 માર્ચે ફરી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.