સાવરકુંડલા થી ૨૫ કિલોમીટર દૂર  છેવાડાના ગામ થોરડી માં પૂજ્ય કાંતિ દાદા અને તેમના ધર્મપત્ની શ્રી કસુંબાબાના અથાગ પ્રયત્ને ગાંધી વિચારસરણીના સથવારે ખૂબ જ મજાનું રળિયામણું સંકુલ ઊભું થયું છે ૧૦ થી ૧૨ વર્ષની ટૂંકાગાળાની મહેનતથી લોક સેવક સંઘ નીચે અહીં નિવાસી અંધવિદ્યાલય, લોક વિદ્યા મંદિર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, લઘુ ઉદ્યોગ, ગૌશાળા જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ થઈ રહી છે.

વિકલાંગ સેવામાં નિવાસી અંધવિદ્યાલય ઉત્કૃષ્ટ કામગીરી થઇ રહી છે તો નોર્મલ વિદ્યાર્થીઓ સાથે કદમ મિલાવી  નાના-મોટા અંધ વિદ્યાર્થીઓ સમાજમાં પુનર્વસન કરી રહ્યા છે. આ સિવાય કૃષિ-ગૌસંવર્ધન,આરોગ્ય નિધિ, રાહતના કાર્યો, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ, શ્રમનું મહત્વ જેવી અનેક પ્રવૃત્તિઓ અહીં નિષ્ઠાથી થઈ રહી છે. જે બદલ સંસ્થાને "શ્રી માનભાઈ સ્મારક નાગરિક સન્માન વર્ષ ૨૦૨૧-૨૨" શિશુવિહાર ભાવનગર તરફ થી સન્માનિત કરવામાં આવી જે સન્માન સંસ્થાના શિલ્પી શ્રી કાંતિભાઈ પુ.પરસાણા ને એનાયત થયો હતો. લોક સેવક સંઘ- થોરડી નું સન્માન લોક સેવા અર્થે નિષ્કામ ભાવે પ્રવૃત્ત સંસ્થાનું ગૌરવ છે.