કેન્દ્રના પેટ્રોલિયમ ખાતાએ કરેલી એક જાહેરાત મુજબ હવે એક મિસ્ડ કોલ કરીને પણ રાંધણગેસનું સિલિન્ડર મેળવી શકાશે. આમ તો છેલ્લાં થોડાં વરસોથી ફોન દ્વારા સિલિન્ડર બુક કરી શકાતું હતું. 

પરંતુ લોકોની ફરિયાદ એવી હતી કે ઘણીવાર બુકિંગ માટેનો ફોન લાગતો નહોતો અને એમાં પ્રિરેકોર્ડેડ મેસેજ સિસ્ટમના કારણે મોટી ઉંમરના ગ્રાહકોને તકલીફ પડતી હતી. નવા વર્ષથી કેન્દ્રના પેટ્રોલિયમ વિભાગે મિસ્ડ કોલ દ્વારા પણ એલપીજી સિલિન્ડર મેળવવાની સુવિધા આપવાનું શરૂ કર્યું હતું. ગ્રાહકે જે ફોન નંબર પોતાના ડીલર પાસે રજિસ્ટર કરાવી રાખ્યો હોય એ નંબરથી મિસ્ડ કોલ આપવાથી સિલિન્ડરનું બુકિંગ આપોઆપ થઇ જશે.

ઇન્ડિયન ઓઇલ દ્વારા અપાયેલી માહિતી મુજબ કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ ખાતાના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આ સુવિધા શરૂ કરવાની સૂચના આપી હતી. કોઇ પણ ગ્રાહક 8454955555 પર મિસ્ડ કોલ કરીને પોતાના સિલિન્ડરનું બુકિંગ કરાવી શકે છે. સાથોસાથ એવી સ્પષ્ટતા કરાઇ હતી કે આ મિસ્ડ કોલ માટે કોઇ ચાર્જ વસૂલ કરવામાં નહીઁ આવે. અત્યારે જે આઇવીઆરએસ (ઇન્ટરએક્ટિવ વોઇસ રિસ્પોન્સ સિસ્ટમ) છે એમાં ગ્રાહકે સામાન્ય ફોન કોલના દર ચૂકવવા પડે છે.  

ઇન્ડિયન ઓઇલના પ્રવક્તાએ કહ્યું હતું કે આઇવીઆરએસ સિસ્ટમમાં ગ્રામ વિસ્તારના તો ઠીક, શહેરી વિસ્તારના વપરાશકારો પણ સતત ફરિયાદ કરતા હતા કે આ સિસ્ટમ અસરકારક રીતે કામ કરતી નહોતી. ખાસ કરીને સિનિયર સિટિઝન્સને આ સિસ્ટમ માફક આવતી નહોતી.

આ પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે જે લોકો ટેક્નોલોજીથી પરિચિત છે એમને માટે સિલિન્ડર બુક કરાવવાની બીજી પણ સુવિધાઓ છે જેવી કે ઓનલાઇન બુકિંગ, એસએમએસ દ્વારા બુકિંગ કે મોબાઇલ એપથી બુકિંગ. આ રીતે પણ સિલિન્ડર બુક કરી શકાય છે.